કડવાચોથ્

        શીલા બહું જ દયાભાવ વાળી હતી. લગ્ન કરી આવી બધી જ જવાબદારી તેણે ઉપાડી લીધી હતી. સાસુ હતા તે પણ શીલા ને સારુ રાખતાં. સાસુ વહુનું સારુ બનતું જ્યાં જાય ત્યાં સાથે જ જતાં. જ્યારે શૈલેષ એમને ગાડીની ચાવી આપી દેતો અને તે પોતાની ગાડી લઈને ફેક્ટરી જતો હતો. થોડા વર્ષો પહેલાં જ શૈલેષના પપ્પા સ્વર્ગેસિધાવ્યા હતા, એટલે બધો બોજો શૈલેષ પર આવી પડ્યો. પણ સ્ટાફના બધા માણસો એ શૈલેષ ને સાથ આપી બધું કામમા પારંગત કરી દીધો. હવે શૈલેષ ને બધું ફાવી ગયું તે પણ પપ્પાની જેમ દિવાળી મા બોનસ ઉપરાંત મીઠાઈનું પેકેટ બધાની સાથે હેલ્પરોને પણ આપતો તે પણ શીલાની જેમ જ ઉદાર હતો. તેઓનું ઘર અતિ સમુદ્ર હતું. ઘણી વાર શીલા તેની સાસુ સાથે ગરીબોના ઝુંપડા આગળ જઈને તેમના હાથેથી ઘઉ, ચોખા અને તેલ પણ આપી આવતા. ઝૂંપડપટ્ટી વાળા પણ તેઓને ઓળખી જતાં, ઘણી વખત શીલા અને તેની સાસુ ને પગમાં પડી જતા અને કહેતા તમે અમારી મદદ કરો છો તે માટે ખૂબ ખૂબ આભાર આમ આદરભાવ સાથે નમી પડતા ત્યારે શીલાની સાસુ કહે અમે શું આપીએ આપવાળો હજાર હાથ વાળો બેઠો છે, બસ એણે અમને આપ્યું તો અમે તમને આપીએ છીએ આમા શેનો આભાર! 
      બે વર્ષ પછી શીલાને ખોળો ભરાવવાનો પ્રસંગ આવ્યો. દિવાળી પછી તરતજ આ પ્રસંગ આવ્યો હતો એટલે બધા વધારે ઉત્સાહ, ઉમંગ મા હતા. હવેલી તો રોશની થી જગારા મારતી હતી. ગરીબો ને પણ આમંત્રિત કર્યા હતા. ભવ્ય શૈલીથી શીંમતનો પ્રસંગ ઉજવાય ગયો. આમ તો છોકરીના શીંમત પછી છોકરી પિયર જતી રહેતી, પણ શીલા એ તેના માતાપિતા ને કહ્યું મારા સાસુ ને એકલા મૂકી મારે પિયર નથી આવવું. શીલાનું પિયર પણ ઘનવાન ગણાતું પણ શીલા તેના સાસુનો વિચાર કરી પિયર ન ગઈ. શીલાના માતાપિતા એ પણ સારું તને જે ઠીક લાગે તે કર અને એ લોકો તેમના ઘરે જવાની રજા માંગી. આ બાજુ બધાને સારી રીતે માનપાન આપી વિદાય કર્યા. 
   બે મહિના ક્યાં વીતી ગયા ખબર ના પડી. શીલાની સાસુ શીલા ને વધારે સાચવતી તેને પાટલે બેસાડી રાખતી મતલબ તેની પૂરી કાળજી રાખતી. હવે સુસાવડનો સમય નજીક આવી ગયો. રાત્રે શીલા ને હોસ્પિટલ મા લઈ જવામાં આવી અને શીલા એ એક બાળકીને જન્મ આપ્યો. સામાન્યતઃ સાસુ ઓ બાળકી જન્મે તો ખુશ નથી થતી પણ ખુશ હોવાનો ઢોંગ જરૂર કરે છે. જ્યારે શીલાની સાસુ બધાથી અલગ હતી. બાળકીને છાંતી સરસી દાબી ને અત્યંત ભાવાવશ થઈ, તેને પોંખી. અને ઈશ્વરનો આભાર માન્યો કે, અમારા ઘરે લક્ષી ને મોકલી.. 
    શીલા ને રજા આપી. શીલા ઘરે આવી ગઈ. ઘરમાં બધા ખુશ ખુશ થઈ ગયા. નાની બાળા ને જોવા બધા આવવા લાગ્યા અને ખુશનુમા માહોલ સર્જાય ગયો. પછી તો નાની બાળાનું નામ શું રાખએ. શીલા કહે કૂંપળ તો સાસુ કહે ના રાધા.. તો વળી શૈલેષ કહે ના તૃષા આમ બધા ને અલગ અલગ નામો કીધા. પછી સાસુ એ જે કીધું તે જ નામ રાખ્યું. રાધા.. 
    રાધાની દાદી તેને લઈને બહાર જતી ત્યારે રાધા વિચિત્ર વર્તન કરતી કોઈ બોલાવે તો તે સામે જોતી પણ નહિ. પોતાના મા જ વ્યસ્ત રહેતી. દાદી ને તેનું વર્તન અજીબ લાગ્યું. ઘરે આવી શીલા ને કહ્યું મને લાગે છે, રાધા ને ડૉ. પાસે લઇ જવી પડશે. તેનું વર્તન બધા કરતાં અલગ છે. શીલા કહે એવું કેમ? શીલાની સાસુ એ કહ્યું આપણે દિકરા ડૉ. નથી એ ડૉ. જોડે જઈશું તો ખબર પડે. શીલા અને તેની સાસુ દવાખાને ગયા ડૉ. ચેકઅપ કર્યું અને રીપોર્ટ કઢાવવા કહ્યું, શીલા તરત બોલી કેમ શું થયું છે, કોઈ ચિંતા જેવું તો નથી ને! એતો રીપોર્ટ આવે ત્યારે ખબર પડે એમ કહી ડૉ. બીજા પેશન્ટ ને તપાસ માટે બોલાવ્યા. સાંજે શૈલેષ ઘરે આવ્યા પછી તેની માતા એ વાત કરી જો દિકરા આપણે નથી જાણતા કે, ડૉ. રીપોર્ટ કેમ કઢાવવા કહ્યું એટલે તું આ બધા રીપોર્ટ કઢાવી આવજે. શૈલેષે જોયું તો આતો મગજના રીપોર્ટ કઢાવવા લખી આપ્યા છે, પણ શૈલેષે કોઈ ને જાણ ન કરી, પણ અંદર અંદર મૂકાયો એવું તો શું થયું છે રાધા ને! 
   રીપોર્ટ આવી ગયા એટલે શૈલેષ બતાવવા ગયો એટલે ડૉ. કહ્યું તમારી બેબી જન્મ થી જ માનસિક અંપગ છે. એટલે શૈલેષ જરા મૂઝાતા પૂછ્યું. ડૉ. એ કહ્યું આમ તો શારીરીક રીતે તંદુરસ્ત છે, પરંતુ માનસિક વિકાસ ઓછો થયો છે. પણ અમે તો રાધાનું પૂરેપૂરી કાળજી લેતા હતા તો પછી આવું શામાટે થયું શૈલેષે એકી શ્વાસે પૂછી લીધું. ડૉ. બોલ્યા ઘણા કેસ મા આવું થાય છે. બસ તેનું દ્ધાન રાખજો બીજું હું કશું ના કહી શકું માનો કે ભગવાને તમને આ ફળ તમારી કસોટી કરવા આપ્યું હશે તો એને સ્વીકારી ચાલો. 
   શૈલેષ ઘરે આવી ઢીલો પડી ગયો. તેની માતા એ કહ્યું કેમ આમ ઢીલો દેખાય છે, બધું બરાબર છે ને!  
  શૈલેષ કશું બોલ્યા વગર ઓફિસે જતો રહ્યો ઓફિસ મા બેઠા બેઠા બહું વિચારો કર્યા. ઘરમાં શું કહું શીલા આ દુઃખ સહન કરી શકશે? આખો દિવસ વિચારતો રહ્યો પછી નક્કી કરી લીધું. હું રાધાની બધી ઈચ્છા પૂર્ણ કરીશ તેને એ અહેસાસ નહિ થવા દઉ કે, તે માનસિક અપંગ છે, ભગવાને તેને જન્મ આપ્યો તો એનું નસીબ પણ બનાવ્યુ હશે ને! આપણે શું કામ ચિંતા કરવાની આ વિચારે શૈલેષ મા નવું જોમ આવ્યું અને તે ઘરે જવા નીકળ્યો.  
     ઘરે આવી તેણે રાધા ને વ્હાલ કર્યું. અને એને સુવાડી બહાર આવ્યો. કેમ ભાઈ મેં પૂછ્યું તેનો જવાબ ન આપ્યો. શૈલેષે એકદમ શાંત અવાજે કહ્યું કંઈ નહીં આપણી રાધા માનસિક અપંગ છે, અમે ડૉ. એ કહ્યુ ભગવાને તમને આ ફૂલ ને સાચવવા આપ્યું છે. અંદર ઊભી શીલા એ બધું સાંભળી લીધું. જરા ભગવાન ઉપર નારાજ થઈ પણ જટ સ્વસ્થ થઈ બોલી કંઈ નહીં અમારા નસીબ મા જે લખ્યું તેનો સ્વીકાર કરી ને રાધાની પૂરી દરકાર કરીશું, હે ઇશ્વર તું અમારી સાથે રહેજે. બહાર આવી તેણે સાસુ ને કહ્યું આતો ભગવાને પ્રસાદ આપ્યો છે, તેને સ્વીકારી લો સાસુ એ તેના માથે હાથ મૂકી કહ્યું ભગવાન પણ તારી આ લાગણી ને જોઈ પ્રસન્ન થયો હશે, જીવતી રહે બેટા! શૈલેષ અને શીલા ને ગળે વળગાડી અંતરના આશિષ આપ્યા. 
     બસ પછી તો રાધા ને ત્રણેય જણા ખૂબ લાડ કરતાં. મંદિરે લઈ જતાં મંદિર મા કાનાની મૂર્તિ જોઈ રાધા અત્યંત ભાવુક થઈ જાય અને મંદિર મા રહેવાની જીદ કરે ખુબ મનાવી તેને ઘરે લાવતાં પણ પછી તેને મંદિર ન લઈ જતાં બગીચામાં તેને હીંચકા ખાવા ગમે તો ત્યાં લઈ જઈ તેની દાદી ક્યાંય સુધી ઝુલે  ઝુલાવતી, થાકી જાય પછી જ ઘરે લાવતી. ઘણી વાર આજુબાજુના લોકો એમ કહે કે, પૂણ્ય શાળી આત્માઓને જ ભગવાન દુઃખ આપે છે, ત્યારે શીલા અને તેની સાસુ તરત સંભળાવી દે કે, અમને કોઇ દુઃખ નથી ઉલટાનું અમને તો ગર્વથી કહીએ છીએ કે, ભગવાન અમારા પર ખુશ થઈ ને આ ફૂલ આપ્યું છે, અને સૌ ચૂપ થઈ જતાં. 
   આમ કરતાં કરતાં રાધા વીસ વર્ષની ઉંમરે પહોંચી ગઈ. દર વર્ષે તેનો જન્મ દિવસે ગરીબોને જમાડવા મા આવતા અને ઘરે બધાને બોલાવી કેક કપાતી તે દિવસે રાધા ખૂબજ ખુશ થાય અને આખો દિવસ ઘીંગા-મસ્તી કરે. આજે તે વીસ વર્ષની થઈ. એણે તેની દાદી ને પુછ્યું દાદી મારા લગ્ન નહીં કરવાના? 
   દાદી તો રાધા સામે જોઈ રહી અને મનમાં ઊંડો નિસાસો નાંખ્યો. દાદી ને વિચાર આવ્યો કે, રાધાના મનમાં આવો વિચાર કેમ આવ્યો તેને તો આ બાબતે કશું જાણતી નથી. છતાં શૈલેષ ને તેના ડૉ. ને મળવા મોકલ્યો. રાધાના ડો. એ કહ્યુ આતો લગ્નની ઉંમરે પહોંચી એટલે તેને વિચાર આવ્યો ઘણી વાર ઉંમર વધતા તેના હોર્મોન ચેન્જ થાય છે, પણ હા તેને શાંતિ થી સમજાવી લેજો. 
   શૈલેષ ને થતું રાધા સ્વસ્થ હોત તો અમે તેને ધામધૂમથી પરણાવત પણ અફસોસ! 
   મોટી થયા પછી રાધા ને મંદિર જવું વધારે ગમતું એમાં ય શ્રી કૃષ્ણના મંદિરે તો કલાકો બેસી રહે કોઈ દિવસ દાદી લઈ જાય તો કાઈ દિવસ શીલા લઈ જતી. તેને કાન્હો વઘારે પ્રિય. રાત પડે ત્યારે દાગીના ખોળામાં માથું રાખી મને કાન્હા વિશે કહોને. અને દાદી કાન્હાની રાસ લીલા કહેતી, તે કેવી રીતે બધાને ઘેર થી માખણ ચોરી લાવે તેની વાતો કરતી રાધા સાંભળતાં સાંભળતાં સૂઈ જતી. 
    તેને કાન્હાને તેનો પતિ માની બેઠી હતી. આ વાત થી સૌ અજાણ હતા, રાધા સવાર સાંજ કાન્હાની વાતો કરતી. મંદિરમાં જઈને કલાકો બેસી રહેતી. એકવાર દાદીએ કહ્યું આખો દિવસ કાન્હો કાન્હો કરે છે, ને થાકતી પણ નથી આ સાંભળી રાધા છંછેડાય ગઈ,અને બોલી પતિનું નામ તો લેવાય જ ને! દાદી અવાક બની જોઈ રહી. શીલા અને શૈલેષ ને વાત કરી, શૈલેષ પહેલાં ડઘાઈ ગયો પછી શાંત મને વિચાર્યુ અને નિર્ણય કર્યો કે, હું મારી રાધાના શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરાવીશ.. દાદી અને શીલા પણ વિચારવા લાગ્યા અને પૂછ્યું શું આ શક્ય છે? શૈલેષ એ કીધું કેમ નહિ કોને વિરોધ હોય આપણી દિકરી ને મુરતિયો તો તેના નસીબ મા નથી પણ મુરલીધર તો છે જ ને! 
હા વાત તો સાચી છે, હું પણ કેટલા દિવસ થી માર્ક કરું છું. રાધા આખો દિવસ કાન્હાની વાતો કરે છે. મે એકવાર કહ્યું કે, આખો દિવસ કાન્હો કાન્હો કરે છે તો થાકતી નથી ત્યારે તેણે જે જવાબ આપ્યો તેના ઉપર થી લાગ્યું કે, તું સાચુ કહે છે, મુરતિયો નહિ પણ મુરલીધર તો છે ને, અને ત્રણેય જણાએ નક્કી કર્યું કે, રાધાના ધામધૂમથી લગ્ન કરીશું. 
    ત્રણેયે રાધા પાસે આવીને કહ્યું અમે તારા લગ્ન કાન્હાની સાથે નક્કી કર્યા છે તું ખુશ છે ને?  રાધા તો નાચવા લાગી અને કહેવા લાગી હું બહુ ખુશ છું. બસ પછી તો લગ્નની તૈયારીઓ થવા લાગી. સૌ પહેલા રાધાના ડૉ. ને વાત કરી તે તો ખુશ થઈ ગયા. પહેલી વાર માતાપિતા એ છોકરીને ખુશ રાખવા આ પગલું ભર્યું. હું જરૂર આવીશ લગ્ન મા. 
    રાધા ને એ રીતે જ તૈયાર કરી જેમ એક દુલ્હન ને તૈયાર કરવામાં આવે છે. પીઠી થી માંડી પાનેતર સુધીની બધી રસમ કરવામાં આવી. વરઘોડામાં કાન્હાની મૂર્તિ મૂકી વરઘોડો કાઢવામાં આવ્યો. બેન્ડબાજા સાથે મંદિર મા ફેરા ફેરવવામાં આવ્યા, હવેલીમાં તો રોનક રોનક થઈ ગઈ, બધા ને આમંત્રણ આપવામાં આવ્યું. અને આમ લગ્ન સંપન્ન થયા. 
   હવે તો રોજ કાન્હાની મૂર્તિ સામે બેસી ભજન કિર્તન કરવા લાગી. ભક્તિ શું હોય તેની રાધા ને ક્યા ખબર પણ કાન્હાની સાથે મંગળફેરા ફરી રાધા તો પવિત્ર બની ગઈ. 
    આજે કડવાચોથનું વ્રત હતું. ખબર નહી રાધાને એ સમજ કોણે આપી કે, આખો દિવસ તેણે ઉપવાસ કર્યો મતલબ કંઈ ખાધું નહિ. દાદી અને શીલા તો બસ જોઈ જ રહ્યા. સાંજે શૈલેષ ઘરે આવી પુછ્યું રાધા એ કંઇ ખાધું બંને એ ના પાડી કેટલી સમજાવી પણ અન્નનો એક દાણો મોઢામાં ન મૂક્યો. ઘરના બધાએ રાધા પાસે બેસી ભજનો ગાયા અને ચાંદ આવવાની રાહ જોઈ. લગભગ બાર વાગ્યે ચાંદના દર્શન થયા અને ચારણી વડે કાન્હાની મૂર્તિના દર્શન કરી પાણી પીધું. શૈલેષ, શીલા અને દાદી મંત્રમુગ્ધ બની ગયા. આ માનસિક વિકલાંગ ને શું ખબર ચાંદના દર્શન કરી પાણી પીવાય શું આ બધો ખેલ કૃષ્ણ ભગવાનનો જ હશે ને! 
     અને જય રણછોડ માખણ ચોરથી હવેલી ગૂંજી ઉઠી. ધન્ય છે રાધાની ભક્તિ ને! 
        ઈલા રાઠોડ.. ✍️✍️✍️
   
       
  
   

Comments

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ